Thursday, May 6, 2010

સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ કેસર કેરીનો ઇતિહાસ

સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ કેસર કેરીનો ઇતિહાસ


ભારતમાં કેરી ફળોના રાજા તરીકે માન્ય છે અને તેનુ અતિમહત્વ હોવાથી કુલ ફળપાકોના 60 % પાક ફક્ત કેરીના હિસ્સામાં જાય છે. તેમાં પણ ગુજરાત કેરીના પાક માટે ખૂબ જ અગત્યનુ છે. દ.ગુજરાતની હાફૂસ ( આલ્ફાન્સો ) તથા સૌરાષ્ટ્રની કેસર ખૂબ જ પ્રસિધ્ધ છે અને સૌથી વધુ નિકાસ થતી કેરી છે. તેમાં પણ કેસરના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છની મોટા પાયે એંન્ટ્રી ( Entry ) થતા કેસરની ખ્યાતિ દેશવિદેશમાં વધી છે અને નિકાસમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો ચાલો કેસરની ઉત્પતિ વિશે જાણીએ.

કેસર એ સૌરાષ્ટ્રના સમુદ્રકિનારાથી 60 કીમી અંદરના ભાગમાં ઘેડ, માધવપુરથી શીલ, માંગરોળ, ચોરવાડથી ઉના, દેલવાડા, તાલાળા, વિસાવદર, મેંદરડા સુધી પથરાળી જમીનમાં અને કિનારાની ઠંડકવાળી સારી વિસ્તરેલી છે. ત્યારબાદ અમરેલીના ધારી અને ખાંભા વિસ્તારમાં પણ સારી ફેલાયેલી છે.

હવે કેસરનુ ઉત્પાદન જૂનાગઢ સિવાય દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ મોટા પ્રમાણમાં અને ઉચ્ચ ગુણવ્તા વાળુ થાય છે.

જૂના સોરઠ પ્રાંતમાં માંગરોળના શેહ જહાંગીર મિયાંના રાજ્યમાં સાલેભાઇ નામના ખેડૂતની વાડીમાં ગોટલામાંથી તૈયાર થયેલ આંબામાં પહેલી જે વખત લાંબા કદની અણીદાર કેરી ઝૂમખામાં બેઠેલી જોવા મળી. લાલ જમીન પર ઉગેલ આ આંબા પર ગુલાબી રંગની ઝાંય આવી. કેરી પાક્તા તેને કાપી ચાખી. તે રેસા વગરની, ચપટા ગોટલા વાળી, મીઠી અને લહેજતદાર લાગી. આંબાવાડીની અન્ય કેરી કરતા ઉત્તમ જણાય. આથી સાલેભાઇ ખુશ થયા અને પાકેલી કેરીઓનો ટોપલો શેખ જહાંગીરમિયાંના દરબારમાં ભેટ ધરી. શેહસાહેબે જાતે ચાખી અને હાજર સૌને ચખાડી. સૌને ઉત્તમ જાત લાગી. સૌએ જાતનુ નામ પૂછ્યુ તો સાલેભાઇએ નિખાલસતાથી જણાવ્યું કે મે વાવેલા ગોટલામાંથી ઉગેલા ઝાડ પર પ્રથમ વાર આવી છે. તેની જાત મને નથી. શેખસાહેબે વિચાર્યું કે સાલેભાઇની વાડીમાં થઇ છે, તો તેને સાલેભાઇની આંબડી નામ રાખીએ.


તે જમાનામાં કલમ બાંધવાનો રિવાજ ન હતો જેથી શેખ જાહાંગીર મિયાંએ સાલેભાઇની આંબડીના ગોટલા આજુબાજુના પંથકમાં રોપાવ્યા.

આ સમયમાં ( અઝાદી પહેલાના) જૂનાગઢ રાજ્યમાં શ્રી આયંગર નામના બાહોશ બાગયાત શાસ્ત્રી હતા. તેમણે જૂનાગઢના તે વખતના વઝીર શેખ મહંમદભાઇને ગિરનાર તળેટીથી નજીઅ દૂધેશ્વર મહાદેવ પાસેના જંગલમાં આંબાના પ્લાંટેશન માટે સમજાવ્યા અને યોજના મંજૂર કરાવી. જંગલખાતાની જમીન બાગાયતખાતાને સોંપવામાં આવી અને ત્યાં બાગાયતશાસ્ત્રી શ્રીઆયંગરે લાલઢોરી આંબાઓના ગોટલામાંથી તૈયાર થયેલા રોપ પર સાલેભાઇની આંબડીની ભેટ કલમો ચડાવી આંબાના ઝાડ તૈયાર કર્યા. ખૂબ સરસ માવજતના અંતે જ્યારે આ ઝાડો પર ફાલ આવ્યો ત્યારે તેમાં સાલેભાઇની આંબડીના ફળ કરતા આકાર, છાલના રંગમાં તથા અંદરના માવાના રંગમાં ફેરફાર દેખાયો. જંગલની નવસાધ્ય જમીન અને ગિરનારના વાતાવરણથી કેરીમાં કુદરતી ફેરફાર થયો. ડૂંહ પરની લાંબી અણી ટૂંકી થઇ ગઇ અને કેરીનો માવો કેસરી રંગનો માલૂમ પડ્યો. જેથી આયંગર સાહેબે સાલેભાઇની આંબડીનુ નવુનામ કેસર આપ્યુ અને ત્યાંથી કેસર તરીકે પ્રચલિત થઇ.


આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યના બાગાયત શાસ્ત્રી શ્રી અમીલાલ ઢાંકીએ વધારે ઉપજ હેતુ ના આશયથી કેસરનુ વાવેતર ગુજરાતના દક્ષિણ ભાગના નવસારી-વલસાડ્ના વિસ્તારો કે જે કેરીના ઉત્પાદન માટે ઉત્તમ ગણાય છે ત્યાં કરાવ્યું અને કેસર દક્ષિણ ગુજરાતમાં આવી.

જુના સૌરાષ્ટ્ર રાજ્યના સમયમાં 1955ના વર્ષમાં મુંબાઇ ખાતે યોજાયેલ કેરી પ્રદર્શનમાં જુનાગઢની કેસરને રજૂ કરવામાં આવી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે કાપીને ખાવાલાયક વિભાગમાં કેસરને ઉત્તમ કેરીનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો જે હાલ જૂનાગઢ બાગાયત ખાતાની કચેરીમાં રખાયેલો છે.

હાફૂસ એક ઉત્તમ જાત હોવા છતાં અનિયમિયત ઉત્પાદન અને કપાસીનો ઉપદ્રવ હોવાથી તેનુ સ્થાન કેસર લઇ રહી છે અને કચ્છની કેસરની ધમાકેદાર નિકાસ શરૂ થતાં નિકાસ થતી જાતમાં આગવુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

( કૃષિદર્શન - માસિકના એક ખુબ જુના અંકમા વાચ્યુ હતુ તેના આધારે )

No comments:

Post a Comment